Wednesday, April 6, 2011

વિસરાયેલા ઘડવૈયાઓનું મંદિર... "ક્રાંતિ તીર્થ"

ગુજરાત રાજ્યનાં કચ્છ પ્રદેશ માં આવેલા માંડવી પાસે, ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું આ મેમોરીઅલ ખુબજ રમણીય છે. માંડવી શહેરથી આશરે ૫ કિલોમીટર દુર ૪ એકર માં બનાવવામાં આવેલું આ સંકુલ રણ ની વચ્ચોવચ હરિયાળીની પ્રતીતિ કરાવે છે. આ સંકુલ ને 'ક્રાંતિ તીર્થ' નામ આપવા માં આવ્યું છે. આ સંકુલ મુખ્યત્વે શ્યામજી કૃષ્ણ વર્મા ની યાદ માં બનાવવામાં આવ્યું છે.

શ્યામજી કૃષ્ણ વર્મા અતીતના અંધકાર માં ખોવાઈ ગયેલ એક એવું નામ કે, જેમણે પોતાના જીવન કાળ દરમિયાન પોતાના રાષ્ટ્ર ને આઝાદ કરવાનું સ્વપ્ન જોયું હતું. અને પોતાનું સંપૂર્ણ જીવન આ સ્વપ્નને સાકાર કરવા સમર્પિત કરી દીધું હતું. આમ, જોવા જઈએ તો આપણી આઝાદી ના ઘડતર માં શ્યામજી કૃષ્ણ વર્મા નો ખુબ મોટો ફાળો રહેલો છે. તેમણે ભારત ની બહાર વિદેશ માં રહી ને વિદેશીઓને ભારત ના જનમાનસમાં રહેલી આઝાદીની તિવ્ર ઈચ્છા વિશે માહિતગાર કર્યા હતા. આજની પીઢી માં લગભગ કોઈ ને એ વાત નો ખ્યાલ નહિ હોઈ કે ભારતનો રાષ્ટ્રધ્વજ નવી દિલ્હી માં નહિ પરંતુ, લંડન માં શ્યામજી કૃષ્ણ વર્માએ બનાવેલા ઇન્ડિયા હાઉસ માં મેડમ કામાના હાથે લહેરાયો હતો.

ખૂબીની વાત તો એ છે કે આઝાદી બાદ પ્રથમ સંસદ માં ૫૦ થી વધું સાંસદો એવા હતા કે, જેઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા દ્વારા અપાતી શિષ્યવૃતિ ની મદદ થી વિદેશમાં અભ્યાસ કરી શક્યા હતા. તેમ છતાં આઝાદી ના ૬૦ વર્ષ સુધી શ્યામજી કૃષ્ણ વર્મા એ ભુલાયેલું નામ હતું. આ પ્રખર વિચારક અને ક્રાંતિવીરના અસ્થી ૬૦ વર્ષ થી જીનીવામાં રાહ જોઈ ને પડ્યા રહ્યા હતા. ૨૦૦૨ માં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રયાસોથી આ અસ્થીકળશ ભારત માં આવ્યા. જીનીવા થી મુંબઈ અને મુંબઈ થી માંડવી સુધીની આ યાત્રાને 'વીરાંજલી યાત્રા' નામ આપવા માં આવ્યું હતું. શ્યામજી કૃષ્ણ વર્માની આખરી ઈચ્છા હતી કે " મારા અસ્થી સ્વતંત્ર ભારતમાં જ લઇ જવા." જે શ્રી નરેન્દ્ર મોદી એ પૂર્ણ કરી.



આ સંકુલમાં પ્રવેશ કરતા ની સાથે એક અજબ શાંતિ અને શીતળતાનો અનુભવ થાય છે. પ્રવેશની સાથે જ સૌ પ્રથમ એક આકર્ષક ફુવારો દ્રશ્યમાન થાય છે. ત્યારબાદ અંદર ઈમારતમાં પ્રવેશ કરતાની સાથે શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમની પત્નીનું પુતળું નજર સમક્ષ આવે છે, તેની બરાબર પાછળ તેમણે લંડનમાં સ્થાપેલા ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ જોવા મળે છે.ડાબા હાથ તરફ મુખ્ય પ્રદર્શની કક્ષ બનાવવામાં આવેલ છે. જેમાં પ્રવેશ કરતાની સાથે જ ગુજરાત ના નકશા પર વીરાંજલી યાત્રાનો પથ અંકિત કરેલો દેખાય છે. આ કક્ષમાં વીરાંજલી યાત્રાના સ્મૃતીચિત્રો રાખવામાં આવેલા છે. જે વીરાંજલી યાત્રાની યાદ તાજી કરાવે છે. ત્યાર બાદ વચ્ચેના કક્ષમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના ધર્મપત્નીના અસ્થીકળશને ખુબ જતન થી કાંચની કલાત્મક પેટીમાં રાખવામાં આવેલા છે. ત્યારબાદના કક્ષમાં સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ અને શ્યામજી કૃષ્ણ વર્મા ના આદમ કદ ની તસ્વીરો મૂકી ને તેમના જીવન વિશે ની માહિતી આપવામાં આવી છે.

ત્યાર બાદ તે વિભાગ માંથી બહાર નીકળ્યા બાદ ત્યાં બનાવેલા ઇન્ડિયા હાઉસમાં જતી વખતે, ખરેખર લંડનના ઇન્ડિયા હાઉસમાં જતા હોઈ તેવો અહેસાસ થાય છે.

ઇન્ડિયા હાઉસ જે ત્રણ માળની ઈમારત છે, તેમાં પ્રવેશ કરતાની સાથે ડાબા હાથ પર પુસ્તકાલય બનાવેલું છે.જેમાં સ્વતાન્ત્ર્યાવિરો અને ક્રાંતિકારીઓ વિશેના પુસ્તકો ઉપલબ્ધ કરાવ્યા છે. તેની સામેની બાજુ એ ટી.વ્હી. હોલ બનાવ્યો છે. જેમાં શ્યામજી કૃષ્ણ વર્માના જીવન પર બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રી બતાવવામાં આવે છે. બીજા માળ પર ૧૮૫૭ના વિગ્રહના લડવૈયાઓ અને નેતાઓની તસ્વીર મૂકીને તેમની વિશે માહિતી આપવામાં આવી છે. ઈમારતના ત્રીજા માળ પર આઝાદીના એવા નેતાઓની તસ્વીરો મુકવામાં આવેલી છે જેઓએ ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હોવા છતાં તેઓ ખુબ ઓછા જાણીતા છે. ત્રીજા માળની બારીમાંથી સમુદ્રનું જે નયનરમ્ય દ્રશ્ય જોવા મળે છે તે અત્યંત આહલાદક છે.

ત્યાંથી બહાર નીકળ્યા બાદ તેની બાજુમાંજ કાફેટેરિયા બનાવવામાં આવ્યું છે. જ્યાં ખાણીપીણીની સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાફેટેરિયાની બાજુમાં ઓપન એર નાટ્યમંચ બનાવવામાં આવ્યો છે. અહી આઝાદીના સમયકાળના નાટકો ભજવવામાં આવે છે. તેની બાજુમાં કચ્છનો નકશો અને તેમજ કચ્છની જીવનશૈલી દેખાડવા માં આવી છે. અહિ, કચ્છી હસ્તકલા ને પ્રોત્સહન આપવા માટે એક દુકાન પણ બનાવવામાં આવી છે.

આ સંપૂર્ણ સંકુલની વ્યવસ્થા જી.એમ.ડી.સી. સંભાળે છે, અને ખરેખર આ સંકુલ જોયા બાદ એવું લાગે કે આપણે ક્યાંક વિદેશ માં હોઈએ. ખુબ સરસ વ્યવસ્થા ના કારણે આ મેમોરીઅલ નું મહત્વ જાગરૂકતા ના લીધે પણ વધી જાય છે.

No comments:

Post a Comment